
આપણી સંસ્કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્મક વલણ-માંથી હકારાત્મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’
--દીપમાંની દિવેટ-તેલ એ સ્નેહ સાથે આત્મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે તમારું જીવન બીજાને પ્રકાશ આપનારું બને. મદદરૂપ બને. તમારા થકી અંધકાર દૂર થાય. તેવો ત્યાગનો સંદેશ લઈને આવે છે. પ્રેમની-સમર્પણની પૂંજી લઈને આવે છે. એક એક દીવો કરીને અસંખ્ય દીવાનું અજવાળું એકતા દર્શાવે છે. લોકો લોકો વચ્ચેનું સાનિધ્ય અને સામીપ્ય ઝંખતું દર્શાવે છે.
--આવું જ બીજું સુંદર ચિહ્નન છે. ઘરને આંગણે ચિતરાતો પૂજાતો સાથિયો-સ્વસ્તિક. સ્વસ્તિક એ એક શુભચિહ્નન છે. સ્વસ્તિકને જોતાં જ તેમાં ગતિ દેખાય છે. તે ગતિશીલ છે. અને દક્ષિણ માર્ગે ચાલે છે. તેને ઋતુ સત્યમય, નીતિયુકત, શુભકારી તેમજ ઈષ્ટ ગણીએ છીએ. અને એટલે જ જયારે કોઈ પણ શુભકાર્ય કરીએ ત્યારે સાથિયો પૂરીએ છીએ. ઘણાં ઘરોમાં આજે થ સવારે ઉંબરા પૂજાય છે. સાથિયા વડે એમ કહેવાય છે કે જે ઘરમાં ઉંબરા પૂંજમય છે ત્યાં હંમેશા સાત્વિક લક્ષ્મીનો વાસ રહે છે. રિધ્ધિ-સિધ્ધિ અને સુખ, શાંતિ લાવે છે. ટૂંકમાં સાથિયા દ્રારા સત્યમ્-શિવમ્ સુંદરમ્ની ભાવના વ્યકત કરીએ છીએ. આમ જુઓ તો સ્વસ્તિક પ્રથમ દ્રષ્ટિએ ફકત ભૌમિતિક આકુતિ જ લાગે...પરંતુ વેદોમાં તરેનો અર્થ ખૂબ ગહન બતાવ્યો છે. વેદોમાં સ્વસ્તિકની ચાર ભૂજાઓ દ્રારા
--ચાર આશ્રમઃ
(બ્રહમચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ્થાશ્રમ)
ચાર વર્ણઃ
(બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્ર)
ચાર પુરુષાર્થઃ
(ધર્મ,અર્થ,કામ, મોક્ષ)
ચાર વેદઃ
(ઋગ્વેદ, યર્જુવેદ,સામવેદ અને અથર્વવેદ) દર્શાવવામાં આવ્યા છે.
--ત્રીજું પણ અર્થ સભર પ્રતીક છે ! ‘કળશ’
કળશની આકૃતિ દ્રારા કે કળરને જોતાં જ ‘બ્રહ્માંડ’નો ભાવ ઉદ્દભવે છે. દરેક મંદિરની ટોચ ઉપર કળશ હોય છે. જેના દર્શન કરી મનમાં એક અહોભાવ જાગે છે. દરેક પૂજમાં પહેલાં કળશની પૂજા કરવામાં આવે છે. કળશની કેવી સુંદર કલ્પના છે. કળશનાં મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ,મૂળમાં બ્રહ્મદેવ અને મધ્યમાં દેવીઓનો વાસ કલ્પવામાં આવ્યો છે. જયારે પૂજા થાય છે ત્યારે કળશની અંદર નદીઓને આહવાન આપવામાં આવે છે. ગંગા-જમુના-ગોદાવરી-સરસ્વતી-નર્મદા-સિંધુ-કોરી... આ બધી નદીઓનાં આગમનથી જાણે સમગ્ર સાગર ‘કળશ’માં સમાઈ જાય છે.
--ચોથું પ્રતીક છે ‘કમળ’જેનાથી સૌ પરિચિત છીએ.
કમળનું પુષ્પ એ નિર્લેપતા, કોમળતા, સુંદરતા અને મધુરતા દર્શાવે છે ! કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની નાભિમાંથી કમળનો આવિર્ભાવ થયો છે. બ્રહ્મદેવતાઓએ કમળના આસન ઉપર બેસીને વેદમંત્રોની રચના કરી અને સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું હતું કમળ અને ભ્રમરની વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેનો ગર્ભિત અર્થ સમજવા જેવો છે. તેનો ગર્ભિત અર્થ એ છે કે જે નારી નરને બંદીવાન બનાવી દે છે. ને પછી તે જ કમળ પ્રભુ ચરણે સમર્પીત થઈ જાય છે. ત્યારે કમળરૂપી સ્ત્રીની સાથે ભ્રમરરૂપી પુરુષ પણ સમર્પિત થઈ જાય છે. કમળની સાથે ભ્રમરનું જીવન પણ સાર્થક બની જાય છે.
--પાંચમું પ્રતીક છે. ‘અગ્નિકુંડ’
ઋષિમુનિઓ અગ્નિકુંડ સમક્ષ યજ્ઞ કરતાં અગ્નિ એ સાક્ષાત દેવતા સમાન છે. આજ પણ હિદું વિધિ પ્રમાણે લગ્ન થાય ત્યારે અગ્નિની સાક્ષીએ થાય છે. અગ્નિકુંડ એ ભારતીય સ્ત્રીના ઉજજવળ ચારિત્ર્યનું પ્રતીક છે.ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના શીલને બચાવવા અગ્નિની જવાળાઓમાં આત્મ બલિદાન આપ્યું છે. શ્રી રામે લોકોની શંકાને કારણે લોકોની નજરમાં સીતાજી પવિત્ર છે. તેવું સાબિત કરવા સીતાજીએ ખુદ અગ્નિપરીક્ષા આપી હતી. ટુંકમાં અગ્નિશીખા પ્રદીપ્ત અને તેજસ્વીભાવનાની સ્મૃતિને જવલંત રાખે છે. આ બધા અમૂલ્ય ચિહ્નનોમાંના મુખ્યત્વે ચિહ્નનો.... જે આપણા રોજબરોજનાંજીવનમાં, પ્રસંગે વણાયેલા છે.આપણા જીવનમાં પણ તેના મૂલ્યોનો ઉપયોગ કરીએ. પર્વની ઉજવણી દ્રારા તેનો ભાવાર્થ પણ સાર્થક કરીએ.