વલ્લભવિદ્યાનગર જેવા એક વિરાટ વિદ્યાસંકુલના દ્રષ્ટા અને સ્રષ્ટા ભાઈ ભાઈલાલભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના સોજિત્રા ગામમાં ૭-૬-૧૮૮૮માં થયો હતો. મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી વડોદરા કોલેજમાં ઈજનેર બન્યાં. અમદાવાદ મ્યુનિસિપાલિટિએ ભાઈકાકાની સેવાનો લાભ ઉઠાવ્યો. ઠેર ઠેર બાગ-બગીચા ઊભા કર્યાં, આજનું રમણીય કાંકરિયા તળાવ પણ તેમણે ખોદાવ્યું. ૬૦ વર્ષની વયે તેમણે શ્રી ભીખાભાઈ પટેલના સહયોગથી વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરી. ત્યાં અનેક વિદ્યાધામો સ્થાપ્યા અને આજે તો સરદાર વલ્લભભાઈ વિધાપીઠ એક આદર્શ વિદ્યાપીઠ તરીકે દેશભરમાં પ્રખયાત છે. વલ્લભભાઈના સબળ સમર્થન અને હૂંફથી ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજ અહીં ઊભી થઈ હતી. વલ્લભવિદ્યાનગર ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. પાછલી ઉંમરે રાજકારણમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. શ્રી ભાઈકાકાનું અવસાન ઈ. ૧૯૭૦માં થયું હતું. લગભગ એકલે હાથે વિરાટ કાર્ય હાથ ધરનાર ભાઈકાકાનું શિક્ષણ-સંસ્કાર ક્ષેત્રે એક આગવું પ્રદાન ગણી શકાય. તેમના નિષ્ઠા, શક્તિ, પરિશ્રમ અને શિક્ષણ પ્રેમ ક્યારેય નહીં ભૂલાય. તેઓ પોતાની અનેક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા આપતા ગયા છે કે : ‘સાધનો મર્યાદિત હોય, ઉંમર વધતી જતી હોય તો પણ ધગશ અને તમન્ના હોય તો અસંભવિત કાર્યો પણ સંભવિત બની સફળતાના શિખર સર કરી શકાય છે.’