ગુજરાતના મહાન આધ પુરાતત્વ વિશારદ તરીકે ખ્યાતિ પામેલા ડો. ભગવાનલાલ ઈન્દ્રજીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લઈ, પિતા અને ભાઈ પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાનલાલને એમની કારકિર્દીના ચીલે ચડાવનાર તો ગિરનાર તળેટીમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો જ હતા. જર્જરિત શિલાલેખ પરના લખાણો દિવસો સુધી મહેનત કરી ઉકેલવામાં સફળતા મળતા એમનું નામ ગુજરાતભરમાં પ્રસિધ્ધ થયું. ડો. ભાઉ દાજીના નિમંત્રણથી તેઓ મુંબઈ ગયા. તેમને અજંટા મોકલવામાં આવ્યા. ઘણા દિવસો સુધી કામ કરી ત્રેવીસ ગુફાલેખો તેમણે ઉતાર્યા. તેમની સેવાઓની કદરરૂપે તેમન રોયલ એશિયાટિક સોસાયટીએ માનદ સભ્યપદ આપી નવાજ્યા. તેમણે આદિકાળથી વાઘેલાવંશ સુધીનો – ‘ગુજરાતનો ઈતિહાસ’ પણ બોમ્બે ગેઝેટિયર માટે તૈયાર કર્યો. ભારતના અનેક સ્થળોએ ભ્રમણ કરી કરીને, શરીરની પણ પરવા કર્યા વગર પુરાતત્વ વિધાનું લગાતાર કામ કર્યું. એકધારા અને પ્રબળ પુરુષાર્થને કારણે ભગવાનલાલની તબિયત બગડી અને ૧૬-૩-૧૮૮૮ના રોજ તેમણે અલવિદાય લીધી તેમને અંજલિ આપતા ધનવંત ઓઝા લખે છે: ‘તેમનામાં હિન્દુની નમ્રતા, જર્મન પ્રજાની નિષ્ઠા, અંગ્રેજોની શક્તિ અને યોગીની સ્થિતપ્રજ્ઞતા એકસાથે દ્રષ્ટિગોચર થાય છે.’