બલિહારી તુજ બાજરા, જેનાં મોટાં પાન;
ઘોડે પાંખો આવીનો, બુઢ્ઢા થયા જુવાન.
બાજરો કહે હુ ઊંચો છોડ, મારે માથે ટોપી;
મારો ગુણ કયારે જણાય કે ખાય દૂધને રોટી.
ઘઉં કહે હું રૂડો દાણો, મારે માથે ચીરો,
મારી પરખ કયારે પડે કે બ.’ન ઘેર આવે વીરો,
વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળું;
ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળું.
મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ.
બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માદું.
મઠ કહે હું ઝીણો દાણો, મારે માથે નાકું.
મારી પરખ કયારે પડે કે ઘોડું આવે થાકું.
મકાઈ કહે હું ઝીણો દાણો, મારે માથે ચોટી;
મારી પરખ કયારે પડે કે ઘેર દુઝે ઝોટી.