ગીત ગરબાને ગુજરાતને ઘેર-ધેર ગૂંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ. મુંબઈની નેશનલ ગ્રામાફોન કંપની સાથે એકાએક સંપર્ક થતા તેમના એક ગીતનું રેકોર્ડિગ કર્યું. ત્યાર પછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારીત થવા લાગ્યા ક.મા. મુનશીએ તેમની સૂઝ પિછાની ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. અવિનાશભાઈએ મુંબઈમાં તેમના સૌ પ્રથમ નૃત્યરુપક ‘જય સોમનાથ’નું સર્જન કર્યું. હિન્દી-ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું પણ આપણે એમને વિશેષરૂપે ગુજરાતી ગીતોના માધ્યમથી જાણીએ છીએ. એમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ વગેરે મુખ્ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગીતો એમણે લખેલા છે. અને ૨૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું. ભારતસરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઈલકાબ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર અવિનાશ વ્યાસનું ૨૦-૮-૧૯૮૪ના રોજ દેહાવસાન થયું. આજે પણ એમના ગીતોની લોકપ્રિયતા લોકભાગ્ય એટલી બધી જનમાનસ પર છવાયેલી છે કે ગુજરાતી ગીતની વાત નીકળે એટલે અવિનાશ વ્યાસનું નામ પ્રથમ આવે.