
આપણા વેદશાસ્ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્થાન આપ્યું છે. આ ઓંકારનો ઉચ્ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા દેવોને આશ્રય મળ્યો પરંતુ મૃત્યુ ત્યાં પણ આવી ચડયું આથી ગભરાયેલા દેવો ઓંકાર પાસે ગયા. ઓંકારે તેઓને સંરક્ષણ આપ્યું. મૃત્યુ પાછુ વળી ગયુ અને દેવોનો અદભુત બચાવ થયો.જેણે દેવો જેવા સમર્થ દૈવી તત્વોને બચાવ્યા હોય તે ઓંકારમાં કેટલી શકિત હશે આથી જ આપણા વેદશાસ્ત્રોએ માનવને સલાહ આપી છે કે જો મૃત્યુના ડરમાંથી બચવું હોય તો ઓંકારને પ્રસન્ન કરવો.ઓંકારમાં સમગ્ર વેદ-ઉપનિષદના તાત્વીક અર્થ સમાઈ જાય છે. ખુદ ભગવાને પણ ઓંકારને પરબ્રહ્મ કહ્યો છે.એટલે જ કહેવાયુ છે કે માનવે સ્વર્ગ મેળવવું હોય તો વેદોની ઉપસના કરવી પરંતુ તે અમૃત તત્વ મેળવવું હોય તો ઓંકારને પ્રસન્ન કરવો.ઓંકારમાં બે અર્થોનો સમાવેશ થાય છે.ઉદગીથ અને પ્રણવ ઉદગીથ એટલે પરબ્રહ્મનું સ્વોત્તમ પ્રાર્થના આપણા મહાન ઋષીમુનિઓએ પરબ્રહ્મનું સર્વોત્તમ ધ્યાન ધરવા માટે સર્વવ્યાપી સંજ્ઞા એવા ઓંકારનો ઉપયોગ કર્યો.આ ઉદગીથ પાછળ એક પૌરાણિક કથા પણ છે.એકવાર દેવ-દાનવો વચ્ચેના યુધ્ધ દરમ્યાન હારી રહેલા દેવોએ હ્વદયમાં બિરાજમાન જીવનતત્વને ઉદગીથ ગણી તેની સ્તૃતિ કરી, દાનવો આનો ઉત્તર વાળી શકયા નહિ અને તેઓનો પરાજય થયો.જયાંરે પ્રણવ ને હ્વદયમાં રહેલા જીવનતત્વની સંજ્ઞા છે, જે જીવનતત્વમાંથી માનવનું સમગ્ર શરીર ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે જ જીવન તત્વ વગરના શરીરનું કોઈ મૂલ્ય રહેતું નથી.
હકિકતમાં તો આપણી વાચા અને જીવન તત્વનું એકરૂપ જ ઓંકાર છે.આવો સર્વોત્તમ માહાત્મય ધરાવતો ઓંકાર સાડાત્રણ અક્ષરોનો બનેલો છે.અ, ઉ,મ અને અડથી માત્રા, જેમાં અ માં સમગ્ર પૃથ્વી ઉ માં આકાશ, મ માં દેવલોક સમાયેલું છે.આજ રીતે જગત, પ્રાજ્ઞ અને તેજસ્વીતા પણ તેમાંજ સમાયેલી છે.ઓંકારની ત્રણેય માત્રાઓ માનવમાં રહેલી ઉર્જાનો પણ સંકેત આપે છે.જેમાં માણસની બુધ્ધિથી થતા કર્મો, ઈદ્રિય દ્વારા થતાં કર્મો તેમજ તેના મન દ્વારા થતાં કર્મોનો સમાવેશ થાય છે. ઓંકારમાં રહેલી અડધી માત્રા તેના દરેક અક્ષર અ,ઉ,મ ને જે રીતે સહ્યોગ આપે છે તેજ રીતે તેના ભાવાર્થમાંથી નિષ્પન્ન થતાં કર્મોને પણ સહકાર આપે છે.તે શીતળ જીવન તત્વનો સંકેત પણ આપે છે. આમ, ઓંકારએ સર્વવ્યાપક છે, તેમાં બધુ જ સમાઈ જાય છે, માત્ર ભૌતિક તત્વો જ નહિ અદ્રશ્ય જીવન તત્વો પણ સમાઈ જાય છે.ઓંકારની બહાર કશું જ નથી.માનવે પણ ઓંકારના સર્વવ્યાપકતાના ગુણને આત્મસાત્ કરવો જોઈએ પરંતુ તે માટે ઓંકાર જેવું બનવું જરૂરી છે.