ભરતનાટ્યમ્ નૃત્યના જ્ઞાતા અને નૃત્યકાર અંજલિ મેઢનો જન્મ ભાવનગરના એક નાગર કુટુંબમાં થયો હતો. પોતાની નિસર્ગદત્ત પ્રતિભાથી અંજલિએ સૌનો પ્રેમ સંપાદન કર્યો. સૌ પ્રથમ શ્રીમતી રુક્ષ્મણીદેવીની કલાસંસ્થામાં ભરતનાટ્યમની તાલીમ લીધી. એમનો કંઠ મધુર હતો. તાલ અને લય પરનું એમનું પ્રભુત્વ ઊંડુ હતું . ભારતીય વિધાભવનની નર્તન શિક્ષાપીઠના પ્રથમ આચાર્ય બન્યાં અને ત્યારબાદ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં નૃત્ય વિભાગનાં વડા તરીકે નિયુક્ત થયા. તાલ,રેખા સૌંદર્ય, અંગભંગનું ગૌરવ ને ઉચ્ચ ગરિમા માટે તેઓ પ્રાણ રેડતા. ભરતનાટ્યમમાં ઉત્તર-હિંદુસ્તાનની શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ એ એમનું એક મહત્વનું પ્રદાન હતું. ભરતનાટયમના શબ્દમ્ વર્ણમ્ પદમ વગરેને એમણે ગુજરાતીમાં ઢાળી બતાવ્યા, જેથી ગુજરાતી દર્શકો નૃત્યને પુર્ણત: માણી શકે. એમણે નર્તનદર્શિકા, અષ્ટનાયિકા વગેરે પુસ્તકો પણ લખ્યા છે. ૧૦-૨-૧૯૭૯ની રાત્રે વડોદરામાં ‘નવગ્રહ’ની ભરતનાટ્યમ્ શૈલીમાં સુંદર રજૂઆત કરી ઘેર પાછાં ફર્યા અને સૂતાં તે ફરી જાગ્યા જ નહિ. નૃત્યતસ્યાને આટોપી અંજલિ મેઢને માટે એ નિદ્રા ચિરનિદ્રા બની ગઈ.