
એક દિવસ શ્રી વલ્લભભાઈને મેં વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ આગળ ભાષણ આપવા બોલાવ્યા હતા. વાતચીત કરતાં કરતાં આત્મકથા કહેવાને રંગે ચડી બોલ્યા, ‘વિલાયતથી પાછા આવ્યા પછી વકીલાતમાં ને પૈસા કમાવામાં ગૂંથાયો. દેશના રાજકારણનું નિરીક્ષણ કરતો હતો. પણ ધ્યેય સુધી પહોંચે એવો કોઈ નેતા જોવામાં આવતો નહોતો. જે હતા તે બધા ખાલી બકવાદ કરનાર હતા, એટલે હું રોજ સાંજે વકીલોની ક્લબમાં જતો ને પાનાં ટીચતો. સિગારેટનો ધુમાડો કાઢવો એ જ મારી તે વખતની મોજ. દરમિયાન કોઈ વક્તા આવી પહોંચતો તો તેની ઠેકડી ઉડાડવામાં પણ મજા આવતી.
‘એક દિવસ અમારી ક્લબમાં ગાંધીજી આવ્યા. એમને વિશે કંઈક વાંચ્યું હતું ખરું. એમનું ભાષણ મેં કંઈક ગમ્મતથી સાંભળ્યું. તે વાત કરતા હતા ને હું સિગારેટના ધુમાડા કાઢતો હતો. પણ અંતે જોયું કે આ માણસ વાતો કરીને બેસી રહે એવો નથી, કામ કરવા માગે છે. પછી વિચાર થયો કે જોઈએ તો ખરા, માણસ કેવો છે. એટલે હું તેમના સંપર્કમાં આવ્યો. તેમના સિદ્ધાંતનો વિચાર મેં નહોતો કર્યો. હિંસા-અહિંસા સાથે મારે કંઈ લેવાદેવા નહોતી. માણસ સાચો છે, પોતાનું જીવનસર્વસ્વ અર્પણ કરીને બેઠો છે, દેશની આઝાદીની એને લગની લાગી છે અને પોતાનું કામ જાણે છે, આટલું મારે માટે પૂરતું હતું.
‘ખેડા જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રખાવવા અમે લડત માંડી. ગુજરાતસભા આ કામ ઉપાડવા તૈયારી નહોતી. ગાંધીજીએ સત્યાગ્રહસભા અને કામ શરૂ કર્યું. ત્યારથી મેં મારી જાત ગાંધીજીને અર્પણ કરી ને તેમનો બનીને રહ્યો છું. લોકો મને અંધ અનુયાયી કહે છે તેથી હું શરમાતો નથી. એમની આગેવાની સ્વીકારી ત્યારે વિચાર કરી લીધેલો કે આ માણસની પાછળ ચાલતાં કોઈક દિવસ લોકો મારા મોં પર થૂંકવાના છે ને એ માટે પણ તૈયાર રહેવું. ત્યારથી મારા મનમાં કોઈ પણ વખતે વસવસો થયો જ નથી. તે રસ્તો બતાવે છે અને હું એમના કહ્યા પ્રમાણે કામ કરવામાં શ્રદ્ધા રાખું છું.‘
- કાકાસાહેબ કાલેલકર