દલિત ઉદ્ધારક ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તા. 14.4.1891ના રોજ થયો હતો. બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયાથી અમેરિકા જઇ પીએચ.ડી. થયા અને તેમણે મુંબઇ હાઇકોર્ટમાં વકિલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદમાં અંત્યજોના પતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ‘પૂના કરાર’ મુજબ તેમણે હરિજનોને અનામત બેઠકો અપાવી હતી. કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહિ પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢ્યું ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. એમના જીવનમાં ત્રણ આધારભૂત સિદ્ધાંતો હતા. ‘શિક્ષિત બનો‘,‘સંગઠિત બનો‘ અને ‘સંઘર્ષ કરો‘. તેઓ કહેતા: “સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને હ્રદયમાં સ્થાન આપ્યું છે.” ભારત સરકારે તેમને મરણોતર ‘ભારતરત્ન‘ ખિતાબ અર્પણ કર્યો હતો. ઇ.1956ના એક દિવસે પોતાના પુસ્તક ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ‘ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા અને ચિર નિંદ્રામાંથી જાગ્યા જ નહીં. ડૉ.બાબા સાહેબ આંબેડકર આજે પણ ભારતના સંવિધાન રૂપી આપણી વચ્ચે જ છે. તેમનું જીવન પ્રેરણાનો ધોધ છે. તેમાં આપણે થોડુ પણ અપનાવીએ નહિ પણ વિચારીયે તો પણ તેને ખરા દિલની શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. બાબા સાહેબને સલામ..