માતાનું અવસાન
પાંચમી જુલાઈ, ૧૮૯૧ના રોજ ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને પોતાની માતાના અવસાનના માઠા સમાચાર જાણવા મળ્યા. મોટા ભાઈની સલાહથી ગાંધીજી પરદેશગમનના પ્રાયશ્ચિતરૂપે શુદ્ધિ કરાવવા નાસિક ગયા. એ પછી તેમની જ્ઞાતિના એક જૂથે તેમને જ્ઞાતિમાં પાછા લીધા હતા. મુંબઈના રોકાણ દરમિયાન ગાંધીજીનો પરિચય રાયચંદભાઈ તરીકે ઓળખાતા શ્રીમદ્ રાજચંદ્ર સાથે થયો.
કડવો અનુભવ
નાસિકથી ગાંધીજી રાજકોટ ગયા અને ત્યાં વકીલાત શરૂ કરી. તે સમયના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉપર પોરબંદરના માજી રાણાને ખોટી સલાહ આપ્યાના તહોમતની તપાસ કરી રહ્યા હતા. ગાંધીજીને લંડનમાં એ અંગ્રેજ અધિકારી સાથે ઓળખાણ થઈ હતી, એટલે મોટા ભાઈના આગ્રહથી ગાંધીજી એ અંગ્રેજ અધિકારી પાસે પોતાની વગ વાપરવા ગયા. પરંતુ એ અધિકારીએ ગાંધીજીની પૂરી વાત પણ સાંભળ્યા વિના પોતાના પટાવાળા દ્વારા ધક્કો મરાવી બહાર કાઢી મૂક્યા હતા. બીજા પણ એક અંગ્રેજ અધિકારીનો ગાંધીજીને કડવો અનુભવ થયો હતો. વિલાયતમાં તેઓ રહ્યા એ દરમિયાન તેમનામાં સ્વમાનભાવના કેળવાઈ હતી. આવા અપમાનને કારણે તેઓને સૌરાષ્ટ્રમાં રહેવું હવે અનુકૂળ લાગતું નહોતું.
દક્ષિણ આફ્રિકા તરફ
ગાંધીજી બેરિસ્ટર થઈને રાજકોટ આવ્યા એ પછી થોડો સમય મુંબઈમાં પણ ગાળી આવ્યા હતા. ત્યાં તેમની વકીલાત ખાસ ચાલી નહીં, તેથી રાજકોટ આવેલા. રાજકોટમાં કડવો અનુભવ થતા હવે શું કરવું એનો વિચાર કરતા હતા ત્યાં તેમના મોટા ભાઈ કે તેઓ પણ વકીલ હતા તેમની પાસે પોરબંદરની એક મેમણ પેઢીની ઑફર આવી. એ મેમણ પેઢીનો દક્ષિણ આફ્રિકામાં બહુ મોટો વેપાર ચાલતો હતો. ત્યાં ઘણા વખતથી તેમનો એક ચાલતો હતો. જેમાં ૪૦ હજાર પાઉન્ડનો દાવો હતો. આ પેઢીના વકીલ કેસ સારી રીતે સમજાવી શકે એ માટે તેઓએ ગાંધીજીના મોટા ભાઈ પાસે યુવાન બેરિસ્ટર ગાંધીજીની માંગણી મૂકી. ગાંધીજી તો સૌરાષ્ટ્રમાંથી છૂટવા માગતા હતા તેથી તેઓએ આ ઑફર સ્વીકારી લીધી. ફર્સ્ટ ક્લાસનું આવવાજવાનું ભાડું, રહેવા તથા જમવાનો ખર્ચ ઉપરાંત વાર્ષિક ૧૦૫ પાઉન્ડનું મહેનતાણું નક્કી કરી ગાંધીજી ૨૪મી એપ્રિલ ૧૮૯૩ના રોજ મુંબઈથી આગબોટમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા. એક મહિનાની લાંબી મુસાફરીના અંતે ૨૫મી મે, ૧૮૯૩ના રોજ તેઓ ડરબન પહોંચ્યા. મેમણ પેઢીના ધનવાન માલિક અબદુલ્લા શેઠ ખુદ બંદરે ગાંધીજીને તેડવા માટે આવ્યા હતા.